[૧૩૩] સેન્ટના નાપાક હોવાનો હુકમ

Chapter : તહારત

(Page : 175)

સવાલ :– હું અત્તરનો ધંધો કરું છું, જેથી અમૂક લોકો સેન્ટ પણ માંગે છે અને અમૂક માણસો કહે છે કે સેન્ટ લગાડવું જાઈઝ નથી, જેથી વેચવું પણ હરામ છે, તો શું સેન્ટ વાપરવું તથા તેનો ધંધો કરવો જાઈઝ છે ?

જવાબ :– સેન્ટ અંગ્રેજી શબ્દ છે, જે પરફ્‌યુમ શબ્દનો સમાનાર્થ છે, જેનો અર્થ ગુજરાતી અને ઉર્દૂમાં અત્તર થાય છે. માટે સેન્ટના ભાષાકીય અર્થ મુજબ તેનો ઉપયોગ કરવો જાઈઝ છે, કારણ કે તે અત્તર છે, પરંતુ આજકાલ જ્યારે સેન્ટ શબ્દનો ઉપયોગ થાય છે, તો તેનાથી સામાન્ય રીતે એવું સુગંધી પ્રવાહી સમજવામાં આવે છે, જે અલકોહલ અથવા સ્પ્રીટથી બને છે, જે એક પ્રકારનું દારૂ અને શરાબ છે તો આવા સુગંધી પ્રવાહીનો શરઈ હુકમ એ છે કે જો તેમાં એવા પ્રકારના અલકોહલ અથવા સ્પ્રીટનો ઉપયોગ થયો હોય કે જેને લીલી કે સુકી દ્રાક્ષમાંથી અથવા ખજૂર કે ખારેકમાંથી બનાવવામાં આવ્યું હોય અથવા બીજા કોઈ કઠોળ કે ફળફળાદિમાંથી બનાવવામાં આવ્યું હોય અને તે પુરેપુરૂં પ્રવાહી અથવા તેનું વધુ પ્રમાણ અલકોહલ અથવા સ્પ્રીટ હોય તો કોઈ રીતે તેનો ઉપયોગ કરવો જાઈઝ નથી અને તેનું ખરીદ–વેચાણ પણ જાઈઝ નથી અને તે સુગંધી પ્રવાહી નજાસતે ગલીઝા ગણાશે, કપડા અથવા બદન ઉપર લાગશે તો તે નાપાક થઈ જશે.

                અને જો મજકૂર સુગંધી પ્રવાહીમાં વધુ ભાગ બીજી કોઈ પાક વસ્તુનો છે અને તેમાં થોડા અલકોહલ અથવા સ્પ્રીટ નામી શરાબની મિલાવટ કરવામાં આવી છે, તો તે નાપાક અને હરામ તો ગણાશે, પરંતુ ખરીદાર સામે અલકોહલ અથવા સ્પ્રીટની મિલાવટની ચોખવટ સાથે તેનું ખરીદ–વેચાણ કરવું જાઈઝ છે.   (શામી, –પ/ર૯૩/૪૬૯, ઈમ. ફતાવા ૧/૧૩૦)

Log in or Register to save this content for later.