[ર૮૬ ] મસ્જિદમાં મિહરાબ બનાવવાનો મકસદ અને ઈમામનું મિહરાબમાં ઊભા રહેવું

Chapter : નમાઝ

(Page : 382-383-384)

સવાલ :– શરૂ જમાનામાં મસ્જિદોમાં ત્રણ મિહરાબો રાખવામાં આવતા હતા અને આજે એક મિહરાબ રાખવામાં આવે છે. મિહરાબ રાખવાનું કારણ શું છે ? મિહરાબની હદની લાઈનથી ઈમામે કેટલા દૂર ઊભા રહેવું જોઈએ ?

જવાબ :– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને ખુલફાએ રાશિદીન (રદિ.)ના સમયમાં મસ્જિદમાં એક પણ મિહરાબ બનાવવાનો રિવાજ ન હતો, પરંતુ જયારે ખુલફાએ રાશિદીન (રદિ.)ના સમયમાં બાગીઓ તરફથી નમાઝની હાલતમાં ઈમામ ઉપર હુમલો કરવાની ઘટનાઓ બનવા લાગી જેમકે, હઝરત ઉમર અને હઝરત અલી (રદિ.) ઉપર નમાઝની હાલતમાં ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો તો ઈમામની સુરક્ષાના હેતુથી ઉંડાણવાળો મિહરાબ મસ્જિદની કિબ્લાની દીવાલમાં બનાવવાનું શરૂ થયું. વળી ઉંડાણવાળો મિહરાબ બનાવવામાં એ હેતું પણ નજર સમક્ષ હોય છે કે જગ્યાની તંગી વખતે ઈમામ મિહરાબમાં ઊભા રહી નમાઝ પઢાવે તો મુકતદીઓ માટે પૂરી એક સફની જગ્યા મસ્જિદમાં વધુ મળી શકે છે. માટે મજકૂર હેતુઓને લઈને મસ્જિદમાં મિહરાબ બનાવવો જાઈઝ છે, સુન્નત કે બિદઅત નથી.                             (‘અહકામુલ કુર્આન થાનવી ૩/પ૧પ)

               સૌથી પહેલાં કુર્રહ બિન શરીક (રહ.)એ મસ્જિદમાં મિહરાબ બનાવ્યો અને સૌથી પહેલાં ઉંડાણવાળો મિહરાબ વલીદ બિન અબ્દુલમલિકના જમાનામાં હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહ.)એ બનાવ્યો હતો.    (‘બુગ્યતુલ અરીબ ૮૧, ‘કિરાઅતુલ મુફતી ૩/૯૯)

               ઉપરોકત હેતુઓ સિવાય મસ્જિદમાં મિહરાબ બનાવવાનો હેતુ જમાઅતની નમાઝ વખતે ઈમામની જગ્યા નકકી કરવાનો પણ હોય છે. કારણકે જમાઅતની નમાઝમાં ઈમામે નમાઝીઓની પહેલી સફની બિલકુલ મધ્યમની સીધમાં ઊભા રહેવું સુન્નત છે અને મજકૂર સુન્નતને છોડીને સફની કોઈ એક તરફ ઊભા રહેવું મકરૂહ છે. માટે આજકાલ મસ્જિદોમાં કિબ્લાની દીવાલમાં જે વચ્ચોવચ મિહરાબ બનાવવામાં આવે છે તેનો હેતુ સફની મધ્યમમાં ઈમામને સુન્નતના મુતાબિક ઊભા રહેવાની જગ્યા નકકી કરવાનો પણ હોય છે. વચ્ચેના હેતુલક્ષી મુખ્ય મિહરાબ સિવાય અમુક મસ્જિદોમાં જે આજુબાજુ મિહરાબ બનાવવામાં આવે છે તેનો કોઈ ખાસ મકસદ હોતો નથી માત્ર ખુશનુમાઈ માટે બનાવવામાં આવે છે.

               ઈમામે મિહરાબ પાસે એ પ્રમાણે ઊભા રહેવું જોઈએ કે ઈમામના પગ મિહરાબની લાઈનથી બહાર જમાઅતખાનામાં રહે. જો ઈમામના પગ મિહરાબની લાઈનથી બહાર હોય અને રુકૂઅ–સજદહ વખતે ઈમામના શરીરનો બીજો ભાગ મિહરાબમાં રહે તો કંઈ વાંધો અને કરાહત નથી. અલબત્ત, વિના મજબૂરીએ ઈમામે પોતાના પગ મિહરાબની લાઈનની અંદર રાખી ઊભા રહેવું મકરૂહ છે અને ખરેખર જગ્યાની તંગીના લઈ જુમ્અહ તથા ઈદૈનની નમાઝ વખતે એક સફ આગળ વધારવા માટે ઈમામ પોતાના પગ મિહરાબમાં રાખે તો પણ મકરૂહ નથી.                                      (‘શામી ૧/૩૮ર, ૪૩૪)

Log in or Register to save this content for later.