[ર૧] નગ્ન હાલતમાં વુઝૂ અને ગુસલ પછી ફરી વુઝૂ જરૂરી કે મુસ્તહબ નથી

Chapter : તહારત

(Page : 60)

સવાલ :– કોઈ માણસ ફર્ઝ અથવા સુન્નત ગુસલ ગુસલખાનામાં કપડાં ઉતારીને કરે અને તે માણસ ગુસલના સુન્નત તરીકા મુજબ પહેલાં પુરૂં વુઝૂ કરીને પછી ગુસલ કરે અને ગુસલખાનામાં કપડાં પહેર્યા પછી બહાર નીકળે અને ગુસલખાનામાંથી બહાર નીકળ્યા પછી તે નમાઝ પઢવા ચાહે તો શું નમાઝ પઢવા માટે તેણે ફરીવાર વુઝૂ કરવું પડશે અથવા કપડાં ઉતારીને નાપાકીની હાલતમાં ગુસલખાનામાં જે વુઝૂ કર્યું છે, તે નમાઝ પઢવા માટે જાઈઝ અને પુરતું ગણાશે ? અહિંયા એક ભાઈ કહે છે કે ગુસલ કરતાં પહેલાં પુરૂં વુઝૂ કર્યું હોય તો ફરીથી વુઝૂ કરવું જરૂરી નથી, ભલે ગુસલખાનામાં કપડાં ઉતારીને ગુસલ કરવામાં આવ્યું હોય. (યાકૂબ લોખાત, જિદ્દહ, સઉદી અરબિયહ)

જવાબ :– સુન્નત તરીકા મુજબ ગુસલ કરતી વખતે બદન પરની નાપાકી ધોયા પછી જે વુઝૂ કર્યું છે, ચાહે તે વુઝૂ કપડાં ઉતારીને ગુસલ પૂરું કરતાં પહેલાં નાપાકીની હાલતમાં કર્યું હોય જો ગુસલ પૂરું કરતાં સુધી તે વુઝૂ બાકી રહ્યું હોય તો હવે તે વુઝૂ નમાઝ પઢવા માટે જાઈઝ અને પૂરતું ગણાશે અને ગુસલ અથવા બીજા કોઈ કારણસર કપડાં ઉતારવાથી તે વુઝૂ તૂટે નહિ અને કપડાં ઉતારીને ફર્ઝ ગુસલથી શરૂમાં કરેલું વુઝૂ પણ દુરુસ્ત અને મોઅતબર ગણાશે. માટે સુન્નત તરીકા મુજબ પૂરા વુઝૂ સાથે ગુસલ કર્યા પછી નમાઝ પઢવા માટે ફરીથી વુઝૂ કરવું જરૂરી નથી, બલ્કે જયાં સુધી સુન્નત તરીકા મુજબ કરેલા ગુસલ પછી કોઈ ફર્ઝ કે નફલ નમાઝ અથવા સજદએ તિલાવત અદા ન કરવામાં આવે અથવા નમાઝ સિવાય અન્ય કોઈ કામમાં લાગી જવાથી અથવા તે જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ જવાથી મજલિસ બદલાય ન જાય ત્યાં સુધી ફરીથી વુઝૂ કરવું મુસ્તહબ અને બેહતર પણ નથી અને અમુક હદીસોમાં તો આ પ્રમાણે ગુસલ પછી બીજીવાર વુઝૂ કરવા વિષે વઈદ આવેલી છે. માટે ફિકહની કિતાબોમાં એવા વુઝૂને માત્ર ઈસરાફ અને મકરૂહ બતાવવામાં આવ્યું છે.                                    (‘શામી ૮૧/૧૦૬, ભાગ ૧)

અને હઝરત આઈશહ (રદિ.) ફરમાવે છે કે,

“હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ગુસલ કર્યા પછી વુઝૂ ન ફરમાવતા હતા.(‘તિરમિઝી શરીફ ૧/૩૦)

Log in or Register to save this content for later.